Polo Forest


માણસ પોતાની રોજબરોજની વ્યસ્ત જીવનશૈલીથી જ્યારે કંટાળી જાય ત્યારે એકાદ નાનો વિરામ જરુરી બની જાય છે. કોઈ કુદરતના સાનિધ્યમાં, તો કોઈ ઇતિહાસને જાણવા - સમજવા, તો કોઈ ધાર્મિક મહત્વ ધરાવતાં સ્થળે પહોંચી જાય છે પણ કોઈ એવું સ્થળ પણ હોય કે જયાં પ્રકૃતિ,ભવ્ય ભૂતકાળ અને ધર્મનો સુભગ સમન્વય હોય તો......
ગાગરમાં સાગર મળ્યાં બરાબર થાય.






આ સ્થળ એટલે "પોળોના જંગલો" પોળો એ કુદરતના ખોળે વસેલું એક રમણીય પ્રવાસન સ્થળ છે.અમદાવાદથી ઉત્તર-પૂર્વમાં આશરે 160 km દૂર સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું છે. અરવલ્લી ગિરિમાળાની હરિયાળી ટેકરીઓ અને આહલાદક કુદરતી સૌંદર્યથી ભરપુર હરણાવ નદીના કાંઠે આવેલું ઐતિહાસિક અને ધાર્મિક વારસાથી સમૃદ્ધ એવું પોળોનું જંગલ.
















પ્રગાઢ વન અને વનવાસીઓની ધબકતી સંસ્કૃતિની સાથે અહીં નદી,પહાડ અને જંગલનો સુભગ સમન્વય થયો છે.હરણાવ નદી અને વણજ ડેમનો કુદરતી વૈભવ અદ્ભૂત છે.ઝાડના પર્ણોનો અને ઝરણાઓનો સંગીતમય અવાજ અદ્ભૂત પ્રાકૃતિક નિરવ શાંતિનો અનુભવ કરાવે છે. અનેકવિધ વૃક્ષસંપદા ધરાવતા અહીંના જંગલોમાં લગભગ 350 જેટલી અલભ્ય વન્ય વનસ્પતિઓ અને ઔષધીઓ મળી આવે છે.ભાતભાતનાં પક્ષીઓ-પ્રાણીઓ થકી સમગ્ર વન જીવંત બને છે.ઊડતી ખિસકોલી,રીંછ અને હોર્નબિલ અહીંના જંગલોની અજાયબી જેવા છે.









'પોળો’ નો અર્થ મારવાડી ભાષામાં ‘પ્રવેશદ્વાર' થાય છે. આ પ્રાચીન શહેરને એકસમયે ગુજરાત-રાજસ્થાનનું પ્રવેશદ્વાર માનવામાં આવતું હશે.કહેવાય છે કે, પોળો નામે અહીં પ્રાચીન નગરી હતી, જેના અવશેષો આજેપણ જોવા મળે છે. વર્ષો જુના જૈન અને હિંદુ મંદિરોના પુરાતન સંકુલને જોઈએ તો લાગ્યા વગર ના રહે કે, ક્યારેક કોઈ રજવાડા કે સામ્રાજ્યનું મુખ્ય મથક અથવા અગત્યનું શહેર હશે. હરણાવ નદીને કિનારે અડાબીડ જંગલોની વચ્ચે ચૌદમી-પંદરમી સદીનાં સોલંકી યુગના અનેક સ્થાપત્યો આજે પણ પોતાનામાં એક ઇતિહાસ સાચવીને અડીખમ ઊભાં છે. અભાપુરનું ખંડિત સૂર્યમંદિર, લાખેણાનાં દેરાં, શરણેશ્ર્વરનું પ્રાચીન શિવમંદિર, વિરેશ્ર્વર મંદીર કે જયાં ઉમરાના વૃક્ષના મૂળમાંથી 'ગુપ્ત ગંગા' વહે છે. આ બધું સમગ્ર પોળોને અતિસુંદર બનાવે છે.







ગુજરાત સરકાર દ્રારા ઉજવાતા ‘પોળો ઉત્સવ’ના કારણે આ સ્થળ વધારે પ્રખ્યાત બન્યું છે.જો કે પ્રવાસન સ્થળ તરીકે પૂર્ણ વિકસિત કરાયું નથી.સ્થાનીય વહીવટી તંત્ર અને ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા પર્યાવરણ જાળવણી માટે જાગૃતતા ફેલાય તે માટે ઘણા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.વન્યજીવોની જાણકારી આપતું  એક પ્રદર્શન પણ છે.સાબરકાંઠા વનવિભાગમાં અરજી કરીને ફોરેસ્ટ વિભાગની કેમ્પસાઈટમાં રોકાવાની વ્યવસ્થા પણ છે,એમા સુવિધા ઓછી છે પણ અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય અગવડતાને ભૂલાવી દેશે.








આ સ્થળની મુલાકાત માટે ઉત્તમ સમય ચોમાસા દરમિયાનનો છે.સિઝનના એકાદ-બે વરસાદમાં જ આ સ્થળ અદ્ભૂત સૌંદર્ય ધારણ કરી લે છે.પિકનિક અને ફોટોગ્રાફી માટે પણ આ જ સમય બેસ્ટ છે.


       આ બધો ઐતિહાસિક વારસો અને અહીનું પ્રકૃતિક વાતાવરણ - પર્વત, નદી અને જંગલનો ત્રિવિણી સંગમ 'પોળો'ને વિશિષ્ટ બનાવે છે. કુદરતની નયનરમ્ય કવિતા જેવા પોળોની એકવારની મુલાકાત તાજગી,આહલાદકતા, આધ્યાત્મિક શાંતિ અને અપૂર્વ આનંદ આપનારી બની રહેશે.

હવે શબ્દોને વિરામ આપી પ્રકૃતિની પ્રતિકૃતિ જે મોબાઇલમાં કેદ કરેલી એને જ બોલવા દેઇએ તો ઉચિત રહેશે....
























































































All pictures clicked by me 


Comments

  1. Nice place
    Ek var jrur jaish

    ReplyDelete
  2. અદભૂત અનુભવ.જીવતા હોઈએ એવુ લાઞે

    ReplyDelete
  3. Very peaceful place
    Next year visit karish

    ReplyDelete
  4. પ્રકૃતિને સોળે કળાએ માણી અને બખૂબી વર્ણિત કરી.

    ReplyDelete
  5. વાહ ખૂબ જ સુંદર
    પ્રકૃતિના ફોટાઓની સાથે સાથે તેનું સુંદર વર્ણન પણ જાણે બે ઘડી તે સ્થળે વિહરતા હોય તેવો અનુભવ કરાવ્યો.

    ReplyDelete
  6. Nice place. Thinking to visit this summer vaccatiin

    ReplyDelete
  7. કુદરતને ખોળે બાળક બનીને માથું મૂકીશું તો કુદરત પોતાના કૂમળા હાથ માતૃભાવથી માથે ફેરવશે. એ શાંતિની તોલે માનવનિર્મિત કોઈ વસ્તુ કદી આવી શકશે નહીં.

    ReplyDelete
  8. 👍👍👌👌💐💐❤

    ReplyDelete
  9. Wow great journey done by u...
    These are our natural heritage..
    These all are give us one wonderful message:
    'Back to me...We calling all of u...'
    But can we hear their's melody?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ગાંડી ગીર